રાજકોટ : પડધરીના ન્યારા નજીકથી 15.20 લાખની વિદેશી દારૂ સાથે ઝડપાયા
રાજકોટના નામચીન બુટલેગરનો વિદેશી શરાબનો જંગી જથ્થાનું પડધરી નજીકના ન્યારા નજીક કટીંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે પડધરી પોલીસને અંધારમાં રાખી રેડ પાડી રૂ.15.20 લાખની કિંમતની 4260 બોટલ વિદેશી શરાબ સાથે બે ઇસમોને પકડી તેની પાસેથી શરાબ,ટ્રક અને સ્કોર્પીયો મળી રૂ.30.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને ઇસમોને તા. 18મી સુધીના રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરી છે. આ બાબતની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે શહેરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાએ રાજસ્થાનથી વિદેશી શરાબ મગાવી પડધરીના ન્યારા કટીંગ કરતો હોવાની બાતમીના આધારે એ.સી.બી.ના ઇન્યાર્જ પી.આઈ.જે.એમ.ચાવડા, પી.એસ.આઈ.એચ.એ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહેશ જાની, બ્રિજરાજસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, મેરૂભાઈ મકવાણા અને નરેન્દ્રભાઈ દવે સહિતની ટીમે ન્યારા ખાતે રેડ પાડી હતી. ન્યારાની સીમમાં ગ્લોરીયસ સિટી વિસ્તારમાં રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી સ્કોર્પીયોમાં વિદેશી શરાબની પેટીઓ ગોઠવી રહેલા રાજસ્થાનના ભવર ભેરૂભાઈ ભાટ અને પિન્ટુ ભાટ નામના ઇસમોને પકડી લીધા હતા. બંને ઇસમો પાસેથી રૂ.15.20 લાખની કિંમતની 4260 બોટલ વિદેશી શરાબ, ટ્રક અને સ્કોર્પીયો મળી રૂ.30.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ભવર ભાટ અને પિન્ટુ ભાતને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં અદાવતે બંને ઇસમોને તા.18મી સુધીના રિમાન્ડ પર સોપ્યા છે. રિમાન્ડ દરમિયાન બંને ઈસમોની કરાયેલી પૂછપરછમાં વિદેશી શરાબ, ગોકુલધામના હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા, હાર્દિક ઉર્ફે કવિ, દેવો, પ્રિયાંક ઉર્ફે કાળિયો વિનોદ અને રૈયા કોકડીના ધર્મેશ વ્યાસનો વિદેશી શરાબ હોવાની કબુલાત આપતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.