મુંદરા કસ્ટમના હરાજી વિભાગમાં કામ કરતાં હોવાનું કહી 1.76 લાખની છેતરપિંડી
મુંદરા કસ્ટમના હરાજી વિભાગમાં હોવાનું જણાવતાં ત્રણ ઇસમોએ ઓછી કિંમતમાં ગેલ્વેનાઇઝ વાયર આપવાનું કહી અમદાવાદના એક વેપારી સાથે રૂ.1,76,000ની છેતરપીંડી, વિશ્વાસધાત કરતાં આ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ હતી. અમદાવાદના બોડકદેવમાં રહેતા વિશાલ રમેશ પટેલ નામના યુવાન વેપારી વિરમગામમાં બી.એમ.પટેલ એન્ડ કંપનીના નામે બાઈન્ડિંગ વાયરની ફેકટરી ધરાવે છે. આ યુવાનને ગત તા. 10-1ના યોગેશ પટેલ મુંદરા કસ્ટમ હરાજી વિભાગમાંથી બોલું છું તેમ કહીને એક ફોન આવ્યો હતો. તમને સસ્તામાં ગેલ્વેનાઇઝ વાયર જોઈએ છે. જવાબમાં યુવાને અઢાર ગેઈઝનો વાયર સસ્તામાં જોઈતો હોવાનું કહ્યું હતું. તેવામાં આઇસમે પોતાના અધિકારી મનીષ પટેલનો નંબર આપી તેની સાથે વાત કરવા કહ્યું હતું. આ મનીષ પટેલે કહ્યું હતું કે 20 ટકા પેમેન્ટ રોકડમાં જોઈએ અને તેની રસીદ આપશું. તે રસીદના આધારે પોર્ટમાં એન્ટ્રી કરાવી કન્ટેનરનું ઇન્સ્પેકશન કરાવી અને માલ જોઈ લેવાનું માલ પસંદ પડે તો ડીલ પાકી નહીંતર રસીદ પાછી આપો તો પૈસા પાછા મળી જશે તેવું આ યુવાનને કહ્યું હતું. અને અઢાર ગેઈઝનો વાયર કંડલા બંદરે હોવાનું કહ્યું હતું. તેવામાં અ યુવાન પોતાના સંબંધીઓ સાથે તા.12/1ના અહીં આવી પહોચ્યો હતો. જ્યાં તેને યોગેશ પટેલ નામનો ઈસમ મળ્યો હતો. અને એક અજાણ્યો ઈસમ પણ ત્યાં આવ્યો હતો. આ અજાણ્યો ઈસમ યુવાન વેપારીની કારમાં બેસી તેમણે કાસેઝ પાસે લઈ ગયો હતો. અને રોકડ રૂ.1,76,000 લઈ ખરીદનાર કંપનીનું નામ એક કાગળમાં લખાવી તમે કારમાં જ બેસાજો અહીં કસ્ટમના અધિકારીઓ ફરતા હશે તેમ કહી કાસેઝ અંદર ગયો હતો અને ત્યાંથી સ્કૂચકકર થઈ ગયો હતો. બાદમાં આ યોગેશ પટેલ, મનીષ પટેલ નામના ઇસમો યુવાન વેપારીને ગોળ ગોળ જવાબ આપી વાયર કે પૈસા પાછા ન આપતા આ ત્રણેય વિરુદ્ર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ હતી. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.