અંજારના ધમધમતા વિસ્તારમાં બંધ ઓફિસના તાળાં તોડી 85,000ની તસ્કરી
ગાંધીધામ અંજારની માલા શેરીમાં એસ્ટેટ બ્રોકરની ઓફિસમાં તોડફોડ કરી તેમાંથી રોકડ રૂ.95,000ની તસ્કરી કરતાં એક ઈસમ વિરુદ્ર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ હતી. અંજારની શ્રીમાળી કોલોનીમાં રહેનાર વિમલ ચંદ્રકાન્ત મહેતા નામના યુવાન મૌલિક નવીન ઠક્કર, અનિરુદ્ર સાથે ભાગીદારીમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરે છે. માલા શેરીમાં તેમની શ્રીજી એસ્ટેટ બ્રોકર નામની ઓફિસ આવેલી છે. ગત સવારના અરસામાં વિમલ અને મૌલિક આ ઓફિસમાં હતા. દરમ્યાન વિમલને તેની બહેનનો ફોન આવતા અને તેના બનેવી બીમાર હોવાથી આ બંને યુવાન ઓફિસ બંધ કરીને ચિત્રકૂટ સોસાયટીમાં પોતાની બેનના ઘરે ગયા હતા. દરમ્યાન પાછળથી મૌલિકનો સાઢુભાઈ એવો સાગર ધનશ્યામ દંતાણી નામનો ઈસમ આવી આ ઓફિસના કાચ વાળા દરવાજનું તાળું તોડી અંદર ધૂસ્યો હતો.તેણે આ કચેરીમાં તોડફોડ કરી રૂ.2000નું નુકસાન કર્યું હતું તથા ટેબલના ડ્રોઅરમાંથી રોકડ રૂ.95,000ની તસ્કરી કરીને નાસી છૂટયો હતો. અંજારના ધમધમતા વિસ્તારમાં ગત બપોરના અરસામાં એક બંધ દુકાનમાં તોડફોડ અને તસ્કરીની ઘટનાને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.