હાલીસા પાસે જીપમાંથી 37 પેટી શરાબ કબ્જે કરાયો : એકની અટક
રાજસ્થાનથી પીકઅપ ડાલામાં લસણની આડમાં લાવવામાં આવતો 37 પેટી(444 નંગ) શરાબનો જથ્થો ગાંધીનગર આર.આર. સેલે પકડી પાડી આ કેસમાં એક ઈસમની અટક કરી તેની પાસેથી કુલ રૂા.7,34,950ના મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેની સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટની કલમ હેઠળ ગુનો લખાયો છે. ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની કડક સુચનાથી પીએસઆઈ બી. આર. રબારીના માર્ગદર્શનમાં આર. આર. સેલની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આર.આર.સેલના હેડકોન્સ્ટેબલ જોગીન્દરસિંહ, પો.કો.વિપુલકુમાર, નરેન્દ્રસિંહ, અલ્પેશકુમારની ટીમ દહેગામ તાલુકાના હાલીસા વિસ્તારમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, લસણની આડમાં શરાબની હેરફેર થવાની છે. જેના આધારે ટીમના માણસો હાલીસા પાટીયા નજીક વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાનું પીકઅપ ડાલુ પસાર થતાં પોલીસે તેનો પીછોકરી સાણોદા પાટીયા પાસેથી તેને પકડી લીધું હતું. જેના ચાલકનું નામ પૂછતાં તે રામેશ્વરલાલ જાટ (મૂળ રહે. ભવરકીયા, ચિતોડગઢ) હોવાનું સામે આવ્યું હતું. પીકઅપ ડાલા પાછળના ભાગે જોતા 15 કેરેટમાં સડેલુ લસણ હતું. પોલીસે કેરેટ હટાવતાં તેમાંથી 37 પેટીમાં રખાયેલ શરાબની 444 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રામેશ્વરલાલ પાસેથી 500નો મોબાઇલ, 700 રોકડા તેમજ પીકઅપડાલા સહિત કુલ રૂ.7,34,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં શરાબ ચિલોડા પાસે એક શખ્સને આપવાનું જણાવ્યું હતું.