એક ઇસમે યુવતીને લગ્નની લાલચ આપી પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું
અંજાર શહેરમાં ચિત્રકુટની પાસે આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિણિત ઇસમે યુવતીને લગ્નની લાલચ આપી પાંચ વર્ષ સુધી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંજાર પોલીસ સ્ટેશને નોંધાયો છે. આ ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ આ કૃત્ય કરવામાં અંજારના મુરલી બેકરી અને રેસ્ટોરેન્ટના સંચાલક સામે આરોપ કર્યો હોવાથી ફરી એક હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવતીએ લખાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજારના ચિત્રકુટ પાસે આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને અંજાર તેમજ ગાંધીધામ ખાતે આવેલી મુરલી બેકરી અને રેસ્ટોરન્ટના ઓનર અલ્પેશ વિશ્રામભાઇ ઠક્કરે પોતે પરિણિત તેમજ બે સંતાનના પિતા હોવા છતાં તેને લગ્નની લાલચ આપી પાંચ વર્ષ સુધી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યા બાદ અચાનક સબંધ કાપી નાખ્યા હતા. આ ફરીયાદમાં અંજાર અને ગાંધીધામમાં મુરલી બેકરી અને રેસ્ટોરન્ટ ધરાવતા અલ્પેશ વિશ્રામભાઇ ઠક્કર સામે ભોગ બનનાર યુવતીએ એવો આરોપ કર્યો છે કે, અંજાર નજીક તેમના અન્ય બંગલામાં બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું છે. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરીયાદના આધારે આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ધટનાની કાર્યવાહી પીઆઇ એચ.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યુ઼ હતું કે ભોગ બનનાર યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાશે અને આ ધટનામાં ઝીણવટ ભરી કાર્યવાહી કરી ઈસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાશે. અંજારમાં વધુ એક દુષ્કર્મનો બનાવ નોંધાયો છે.