મહિલાને બેભાન કરીને મકાનમાંથી 1.75 લાખની માલમતાની તસ્કરી
નવા નરોડામાં મહિલાને બેભાન કરીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ તસ્કરી કરીને બે ઇસમો ભાગી ગયા હતા. આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે તજવીજ હાથ ધરી છે. આ ઘટનાની વિગતો અનુસાર નવા નરોડામાં રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતા શીલુબહેન અનિસસિંહ રાજપુત 28/ના રોજ ઘરમાં એકલા હતા. તેમના પતિ, સસરા અને જેઠ નોકરી ગયા હતા. જ્યારે સાસુ મેધાણીનગરમાં સંબંધીના ઘરે ગયા હતા. દરમિયાન બપોરના અરસામાં 40થી50 વર્ષના બે અજાણ્યા ઇસમોએ શીલુબહેનના ઘરે આવીને તેમના સસરાનું નામ પુછીને પાણી માંગ્યું હતું. શીલુબહેન પાણી લેવા માટે રસોડામાં જતાં બંને ઇસમો પેટી પલંગ ખોલીને સમાન બહાર કાઢવા લાગ્યા હતા.આથી શીલુબહેને બુમાબુમ કરતાં બંને ઇસમોએ રૂમાલ વડે શીલુબહેનનું મોઢું દબાવી દીધું હતું. રૂમલમા નશીલો પદાર્થ હોવાથી તે બેભાન થઈને નીચે પડી ગયા હતા. જોકે થોડુ ભાન હોવાથી તેમણે તેમના પતિને ઘટના અંગે જાણ કરી દીધી હતી. જેને પગલે તેમના પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને પત્નીને ઢંઢોળતા તે ભાનમાં આવી હતી. તેમણે ઘરમાં કાર્યવાહી કરતાં સોના ચાંદીના દાગીના અને રૂ.15,000 રોકડા મળીને કુલ રૂ.1,75,000ની માલમતાની તસ્કરી થઈ હોવાનું જણાવ્યુ હતું.