ભચાઉ શહેરના નવા બસ સ્ટેશન પાસે જલારામ સોસાયટીમાં આવેલ કપડાની દુકાનને નિશાન બનાવીતસ્કરો રેડીમેટ કપડા ચોરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ચોરીનો બનાવ રાતના ૮:૩૦ સવારના ૮ વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો. દુકાનદાર ધીરજભાઈ ગોવાભાઈ સામળિયા રાત્રેના સાડા આઠ વાગ્યે પોતાની ‘દિશેન્ટ પોઈન્ટ”નામની રેડીમેટ દુકાન વધાવીને ઘરે ગયા હતા અને આજે સવારે ૮ વાગ્યે નિત્યક્રમ મુજબ દુકાને આવેલ અને શટર ખુલ્લી દુકાનમાં પ્રવેશતા દુકાનના પતરા તુટેલા જોવા મળેલ કોઈ ચોર ઈસમોએ દુકાન પર લાગેલા બે પતરા તોડી પીઓપી કાપી અને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને રેડીમેટ કપડા તથા એક સેરવાણી મળી અંદાજીત ૪૦થી ૫૦ હજારના કપડા ચોરી ગયા હતા. બનાવ અંગેની ભચાઉ પોલીસને જાણ કરતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસમાં જોતરાઈ હતી. આ બાબતે ભચાઉ પોલીસનો સંપર્ક સાધતા આ લખાય છે, ત્યાં સુધી ચોરી અંગેની કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું. અત્રે રાત્રીના થયેલી ચોરીના બનાવથી અન્ય વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી અને આવા લેભાગુ તત્ત્વોને ઝડપી પાડવા શહેરમાં દિવસ રાતની સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા વેપારીઓની માંગ ઉઠવા પામી હતી.