રેલ્વે સ્ટેશન પાસેથી લૂંટના ગુનાનો રીઢો આરોપી ઝડપાયો

કંડલા પાસે જતી ટ્રકો રોકી છરીની અણીએ ચોખાની લૂ઼ંટનો પ્રયત્ન કરી સુપરવાઇઝરને છરી મારી નાસી ગયેલ લુંટ અને મારામારી, એટ્રોસિટિ એક્ટ તળેના 10 થી વધુ ગુનાઓ જેના વિરુદ્ધ નોંધાયેલા છે તે રીઢા આરોપીને એ-ડિવિઝન પોલીસે ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો.

એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલી બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા મારામારી અને એટ્રોસિટી હેઠળના ગુનામાં ભાગતા ફરતા આરોપી નવા કંડલાના સર્વા ઝૂંપડામાં રહેતા ઇમરાન ઉર્ફે માટલો દાઉદભાઇ બાપડાને પકડી લીધો.

પકડાયેલા ઇમરાન ઉર્ફે માટલા વિરુદ્ધ વર્ષ-2016 થી અત્યાર સુધી ચોરી, લૂંટ, મારામારી અને એટ્રોસિટી એક્ટ તળે 10 થી વધુ ગુનાઓ નોંધાયા. આ રીઢા આરોપી માટલાએ કંડલા એલપીજી સર્કલ નજીક ટ્રક રોકી ચોખાની લૂંટનો પ્રયત્ન કર્યો હતો અને પ્રતિકાર કરનાર કંપનીના સુપરવાઇઝરને માથામાં છરી મારી નાસી ગયો હતો. પીઆઇ પટેલે જણાવ્યું હતું કે ઇમરાન ઉર્ફે માટલાનો સાગરિત કિડાણાના એકતાનગરમાં રહેતો અક્રમ સિદ્દિક કટિયા હજી પકડવાનો બાકી છે.