નગરપાલિકાના 78 કર્મચારીઓને હવે રોજ થમ્બ મશીનથી હાજરી પુરવી પડશે

copy image

ગાંધીધામ નગરપાલિકામાં છેવટે ડિજિટલ હાજરીની વ્યવસ્થાની 1લી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવી. હવે પાલિકા કચેરીના કર્મચારીઓએ રોજ થમ્બથી પંચ કરવાનું રહેશે. કાર્ય સમય 10.30થી 6.30નો છે.

નગરપાલિકા કચેરીમાં અલગ અલગ વિભાગોમાં કાયમી અને કોંટ્રાક્ટ કે એજન્સી આધારીત કુલ મળીને 78 જેટલા કર્મચારીઓ છે. 1 સપ્ટેમ્બરથી હવે તમામને કચેરીની શરૂઆતમાં રાખવામાં આવેલ થમ્બ મશીનમાં ઈન અને આઉટનો પંચ કરવાનો રહેશે. પાલિકાના સતાવાર સુત્રોએ જણાવ્યું કે જે વિભાગોના કર્મચારીઓએ કચેરીમાં જ બેસીને કામ કરવાનું છે, તેમને સુચના આપી દેવામાં આવી છે.

તો જેમણે ફીલ્ડ વર્ક કરવાનું રહે છે તેમના માટે તે અનુસારની જોગવાઈ કરવામાં આવશે. નોંધવુ રહ્યું કે અગાઉ કર્મચારીઓ નિયમીત છે કે નહિ તે ખાતરી કરવા કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું, તો આજ બાબતને અનુલક્ષી વિવાદાસ્પદ એજન્ડા નખાયો હોવાનો પણ બચાવ કરાયો હતો, જેને આખરે રદ કરવામાં આવ્યો હતો. જે તે સમયમાં પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ખુદ નગરસેવકોમાંથી કેટલાક કર્મચારીઓ સમય અનુસાર ઉપસ્થિત રહેતા ન હોવાની ફરિયાદ ઉઠી હતી.