લીંબડી-રાણપુર હાઈ-વે ગમખ્વાર અકસ્માત: માતા-પિતાની નજર સામે 3 વર્ષના પુત્રનું મોત


લીંબડી-રાણપુર હાઈ-વે પર વઢવાણના જૈન પરિવારની કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. કાર સામે આવતાં ટેન્કર સાથે ભટકાઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં સવાર માતા-પિતાની નજર સામે 3 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું. પતિ-પત્નીને ઈજા પહોંચી હતી.
વઢવાણ જૈન સમાજના વિપુલભાઈ પ્રકાશભાઈ શેઠ પત્ની ખુશ્બુબેન અને 3 વર્ષના પુત્ર ક્રિસિલ (કાનો) સાથે બોટાદ સબંધીને ત્યાં પર્યુષણ પર્વની ઉજવણીમાં ગયા હતા. બોટાદથી વઢવાણ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે લીંબડી-રાણપુર હાઈ-વે રોડ નજીક સોમનાથ હોટેલ પાસે તેમની કારનું ટાયર ફાટ્યું હતું.
ટાયર ફાટતા ચાલક વિપુલભાઈ શેઠે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સામે આવતાં ટેન્કર સાથે ટકરાઇ હતી. અકસ્માત થતાં કારમાં સવાર 3 વર્ષના પુત્ર ક્રિસિલનું માતા-પિતાની નજર સામે મૃત્યુ થયું હતું. વિપુલભાઈ અને તેમના પત્ની ખુશ્બુબેનને ઈજા થઈ હતી.
અકસ્માતના સમાચાર સાંભળી હોટેલના માલિક તનકસિંહ રાણા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા. અકસ્માત વિશે 108ને જાણ કરી હતી. ચુડા 108ના પાયલોટ શૈલેષભાઈ બલોલીયા, ઈએમટી સંજયભાઈ સોલંકી અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.