IELTS પરીક્ષા કૌભાંડમાં પ્લાનેટ ઇડીયુના સુપરવાઇઝરની કરાઇ અટકાયત

રાજ્યવ્યાપી IELTS પરીક્ષા કૌભાંડમાં તપાસ કરી રહેલી મહેસાણા બી ડિવિઝન પોલીસે વધુ એક આરોપીની ધરપકડ\ કરી છે. પરીક્ષા લેતી સંસ્થાના ટેસ્ટ ડે સુપરવાઇઝરની સમગ્ર કૌભાંડની તપાસ કરી રહેલી સીટની ટીમે સઘન પૂછપરછ આદરી. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડમાં 44 આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે. ત્યારે પોલીસે અત્યાર સુધી ત્રણ રાઇટર્સ, બે સુપરવાઇઝર, એક ડ્રાઇવર સહિત 6 આરોપીઓની અટકાયત કરી ચૂકી છે.

વિદ્યાર્થીઓ પાસેથી માતબર રકમ ઉઘરાવી IELTSની પરીક્ષામાં પોતાના રાઇટર્સ સહિતની ટીમ દ્વારા લેખિત સહિતની પરીક્ષાઓ અપાવી આઇઈએલટીએસની પરીક્ષામાં ઊંચા બેન્ડ લાવી આપવાના કૌભાંડમાં ડીવાયએસપીના સુપરવિઝન તળે ગઠન કરાયેલી પીઆઇ નિલેશ ઘેટીયા અને પીએસઆઇ જે.પી. રાવ સહિતની સીટની ટીમે મંગળવારે આ પરીક્ષા કૌભાંડમાં સંકડાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

સમગ્ર રાજ્યમાં વિદેશ જવા માટેની આઈઇએલટીએસની પરીક્ષા લેતી અમદાવાદની પ્લાનેટ ઇડિયુ સંસ્થાના અને પરીક્ષામાં ટેસ્ટ ડે સુપરવાઇઝરની ફરજ બજાવતા તરુણ વાઘેલાની ધરપકડ કરી સીટની ટીમ દ્વારા મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી તેમજ અન્ય આરોપીઓની કડી મેળવવા સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.