દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડી 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

copy image

ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે રાત્રે પાલૈયા ગામની સીમમાં આવેલા બોર કૂવા પર દરાડો કરી રૂ. 14 લાખ 84 હજારની કિંમતની 3 હજાર 484 વિદેશી દારૂની બોટલોનો જથ્થો પકડી પાડી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો.

ગાંધીનગરના દહેગામ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનાં કટિંગની પ્રવૃતિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘમાં રહી હતી. એવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સુપ્રિટેન્ડન્ટ નિર્લિપ્ત રાયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયાનાં સુપરવિઝન તળે સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે દહેગામનાં પાલૈયામાં ચાલતાં વિદેશી દારૂના કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ છે.

સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે પાલૈયા ગામની સીમમાં જીતુભાઈ ઠાકોરના બોર કૂવા પાસેની ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાંથી વિદેશી દારૂની 3 હજાર 484 નંગ બોટલોનો જથ્થો કબ્જે કરી મસમોટા દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો. સ્ટેટ મોનીટરીંગની ટીમે 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન મળીને 21.84 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વિદેશી દારૂના કટિંગ દરમિયાન દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.