હળવદમાં ખનીજ ચોરીના દરોડામાં 20 લાખનો મુદ્દામાલ કબ્જે


હળવદ તાલુકામાં બ્રાહ્મણી ડેમમાં બેરોકકટોક સફેદ રેતી ખનીજ ચોરીને લઇને હળવદ પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ કરાયું હતું. જેમાં હળવદ હાઈ-વે રોડ પર 2 ડમ્પર રેતી ભરેલા રોયલ્ટી વિના પકડી પાડીને રૂપિયા 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ પોલીસની હવાલે કરાયો હતો.
હળવદ તાલુકાની બ્રાહ્મણી ડેમની સફેદ રેતીની જિલ્લામાં અને જિલ્લા બહાર ભારે માગ રહે છે. ત્યારે હળવદ તાલુકાના મિયાણી, મયુરનગર,ધનાળા, ટીકર, માનગઢ સહિતના ગામોની સીમમાં ભૂમાફિયા દ્વારા ખનીજચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રાતોરાત ખનનવહન કરીને રકમ કમાય છે. ત્યારે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને હળવદથી મોરબી તરફ પસાર થતા 2 ડમ્પર રોયલ્ટી પાસ વિના 90 ટન રેતી ભરેલા પકડી પાડીને કાર્યવાહી કરાઈ હતી. જેમાં કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
આમ ખનીજ ચોરીના દરોડા પડતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ પ્રશર્યો હતો. આમ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેકટર દ્વારા હજુ પણ ચેકિંગ સાથે દરોડાઓ પાડવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય તેમ છે તેવું ગામ લોકો કહી રહ્યા છે.