થરાદની ભાપી કેનાલ પાસેથી મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ગાડી પકડી, 15 લાખનો મુદ્દામાલ જપ્ત


થરાદ વિસ્તારમાં વિજિલન્સની ટીમે ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગ કરી પાયલોટિંગ ડસ્ટર ગાડી તેમજ વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો પકડી પાડી બંને ગાડીમાંથી ચાર ઇસમોને પકડ્યા હતા. ઇસમોની પૂછપરછ કરતાં 11 સાગરીતોના નામ ખુલ્યા હતા, જે બધાની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.
થરાદ વિસ્તારમાં વિજિલન્સની ટીમ ખાનગી બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી સ્કોર્પિયો ગાડીનું પાયલોટિંગ કરતી ડસ્ટર ગાડીને રોકવા પ્રયાસ કરતા બંને ગાડીઓના ચાલકોએ ભગાડી મુકતાં દારૂ ભરેલ ગાડીએ સ્ટેટ મોનિટરિંગ સેલના પેટ્રોલિંગ માટેના પ્રાઇવેટ પીકઅપ વાહનને ઠોકર મારતા પેટ્રોલિંગ કરી રહેલા SRPના બે જવાનોને ગંભીર ઈજા પહોચી હતી.
વિજિલન્સ ટીમ દ્વારા પાયલોટિંગ ડસ્ટર ગાડી તેમજ વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો પકડી પાડી બંને ગાડીમાંથી ચાર ઇસમોને પકડી તપાસ હાથ ધરતાં સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂ 1616 બોટલની કિંમત. રૂ. 3 લાખ 20 હજાર 765 તેમજ રોકડ રૂ. 4370, મોબાઈલ 4 કિંમત રૂ. 20 હજાર, સ્કોર્પિયો અને ડસ્ટર ગાડી સહિત કુલ રૂ. 15 લાખ 45 હજાર135 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા 4 ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરતાં રાજસ્થાનમાંથી દારૂ ગુજરાતમાં મંગાવી અને વેચાણ કરવું તેમજ અલગ-અલગ જગ્યાએ મોકલાવવો તેમાં 11 સાગરીતોના નામ બહાર આવ્યા હતા, જેમની સામે પણ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે.