ગુરૂદ્વારા ચોકડી પાસે અકસ્માત: સ્કુટર અને બાઇક અથડાતા યુવાનનું મૃત્યુ

copy image

જામનગર પાસે ગુરૂદ્વારા ચોકડી નજીક મોડીરાત્રીના એક સ્કૂટર અને બાઈક સામસામા ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોચવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલો યુવાન ઇજાગ્રસ્ત થયો છે. તેમજ સામેથી આવી રહેલા સ્કૂટરમાં બે ભાઈઓ ગંભીરરીતે  ઘાયલ થતા બંનેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે.

જામનગરમાં લંઘાવાડના ઢાળિયા નજીક રહેતો નવાજ ઝાહિદભાઈ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન પોતાના મિત્રને બાઈકમાં બેસાડીને મોડી રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા સ્કૂટર સાથે ધડાકાભેર ટક્કરાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં નવાજને માથાના ભાગમાં ગંભીર ઇજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ વડે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું ઘોષિત કર્યું હતું. તેમજ તેની પાછળ બેઠેલો એક યુવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો, અને તેને પ્રાથમિક સારવાર અપવામાં આવી છે.

આ બનાવમાં સામેથી આવી રહેલા એકટીવા સ્કૂટરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ કોળી અને તેનો ભાઈ જેઓ પણ ધડાકાભેર અથડાઈ ગયા બાદ ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બંનેને પણ સૌ પ્રથમ 108 નંબરની એમ્બ્યુલન્સ વડે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેઓની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે.