ઠાસરાના ડાકોર રોડ પર કારે એક્ટિવાને અડફેટે લેતા એકનું મોત

copy image

ઠાસરા ડાકોર રોડ ઉપર ગતરોજ સવારે પુરઝડપે આવતી વેગેનાર કારે આગળ જતા એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે.

ઠાસરામાં નર્મદા વસાહત કોલોનીના બ્લોક સી મકાન નંબર 13માં રહેતા હિરેનભાઈ સુરજીભાઈ વસાવા ગતરોજ સવારે પોતાનું એકટીવા નંબર (GJ 22 M 6780) ચલાવીને ઠાસરાના ડાકોર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે પુર ઝડપે આવતી વેગેનાર કાર નંબર (GJ 07 BN 5856)ના ચાલકે ઉપરોક્ત એકટીવા ને પાછળથી ટક્કર મારી જેથી એકટીવા ચાલક હિરેનભાઇ વાહન ઉપરથી રોડ ઉપર પટકાયા હતા. હિરેનભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા આસપાસના લોકો દોડી આવ્યા અને તુરંત 108 એમ્બ્યુલન્સ વડે ઠાસરાના સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા. જોકે ઘવાયેલા હિરેનભાઈની હાલત નાજુક હોવાના લીધે તેઓને વધુ સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલ મધ્યે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હિરેનભાઈને મૃત ઘોષિત  કર્યા હતા. સમગ્ર ઘટના સંદર્ભે નજીકમાં રહેતા વિપુલકુમાર કાંતિભાઈ મેઘાએ ઠાસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે