નોકરી બાબતે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં કૂદયો


શહેરના 21 વર્ષે યુવાનને પિતાએ નોકરી ન હોવા મુદ્દે ઠપકો આપતાં તેણે મહીસાગરમાં કૂદકો માર્યો હતો. જેના સંદર્ભે ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી છે. સમામાં શાંતિનગર મધ્યે રહેતા અને છૂટક કામ કરતા રતન મારવાડીના 21 વર્ષીય પુત્ર રાહુલ 12 ધોરણનો અભ્યાસ કર્યા પછી ઘરે હતો. યુવક દ્વારા નોકરી માટે પ્રયત્ન કરવા છતાં યોગ્ય નોકરી મળતી ન હોવાથી પરિવારમાં ચકમક ઝરતી હોવાનું તેના કાકાએ જણાવ્યું હતું. યુવકના કાકા રમેશભાઈ તરફથી જાણવા મળ્યા અનુસાર સવારે 7 વાગે રાહુલ તેના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો.
થોડીવાર રહીને તપાસ કરવા માટે તેના પિતા પણ ગયા તે દરમિયાન વાસદ મહીસાગર નદીના બ્રિજ પાસેથી તેનું બાઈક મળ્યું હતું. જ્યારે બાઈકના આગળના મડગાર્ડમાં તેનો ફોન મૂકેલો મળ્યો. સ્થાનિકોએ યુવકને મહીસાગર નદીમાં કૂદકો મારતાં જોયો હોવાના સંદર્ભે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. લાશ્કરો દ્વારા સવારના 9થી સાંજ સુધી તપાસ કરવામાં આવી પણ તેનો કોઈ પત્તો નથી મળ્યો. ફાયરબ્રિગેડે જણાવ્યું કે, ટીમ શોધી રહી છે, પરંતુ પાણીના વહેણમાં યુવકની ભાળ નથી મળી.