ગાંધીધામમાં ઝંડાચોક નજીક જાહેરમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીધામ શહેરના ઝંડાચોક પાસે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. શહેરના ઝંડા ચોક પાસે નોર્થ ફોર બિલ્ડિંગ પાસે બહાર ઊભા રહીને ભારત નગરનો રતિલાલ મોહન સોલંકી (બારોટ) નામનો ઈસમ સટ્ટો રમી રહ્યો હતો તેની પૂર્વ બાતમી મળતાં પોલીસ અહીં દોડી આવી  અને સટ્ટો રમતા આ ઈસમને ઝડપી લીધો હતો. તેણે મોબાઈલમાં શ્યામ ઈ.એક્સ.સી.એચ. નામની વેબસાઈટ ખોલી તેમાં પોતાની આઈ.ડી. બનાવી હતી અને આ આઈ.ડી. થકી તે સટ્ટો રમી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ શખ્સ ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ-ભારતની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. સટ્ટો રમતા આ ઈસમ પાસેથી રોકડા રૂા. 1000 તેમજ એક મોબાઈલ કબ્જે કરાયા હતા.