copy image આદિપુરમાં રહેનાર એક યુવાનને કેનેડામાં નોકરી અપાવવાની લાલચ આપી ઠગબાજો દ્વારા યુવાન પાસેથી રૂા 36,500ની ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી. આદિપુરની ઇફકો સોસાયટીમાં રહી અને કાસેઝની રૂસાન કંપનીમાં કામ કરનાર ફરિયાદી ગત તા. 9-5ના પોતાના ઘરે હતા ત્યારે આ ફરિયાદને એક ઇ-મેઈલમાં કેનેડાની નોકરી અંગેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીને મેડિકલ વિભાગમાં રસ હોવાથી અને કેનેડા નોકરી કરવાની ઇચ્છા હોવાથી તેણે ફોર્મ ભરી પરત આ ઇ-મેઇલ એડ્રેસ ઉપર મોકલી આપતાં તેને જોબ ઓફર લેટર અને એગ્રિમેન્ટ લેટર મોકલવામાં આવ્યો હતો. જેમાં સિનિયર એક્સિક્યુટિવની પોસ્ટ, 10,500 કેનેડિયન ડોલર માસિક પગાર, મેડિકલ ખર્ચ, રહેવાની સુવિધા વગેરે લાલચ આપવામાં આવી હતી. યુવાનને વિશ્વાસ આવતાં તેણે જુદા જુદા ફોર્મ ભરી તેમાં સહી કરી મુંબઇથી આવેલા અન્ય ઇ-મેઇલ એડ્રેસ પર આ દસ્તાવેજો મોકલી આપ્યા હતા. ઠગબાજોએ દસ્તાવેજો સાથે વિઝા ફી માટે રૂા. 36,500 માગતા ફરિયાદીએ આપી દીધા હતા. બાદમાં ઠગબાજોએ ઇમિગ્રેશન એપ્રુવલ, યલો ફિવર વગેરે માટે રૂા. 82,700 માગતા ફરિયાદીને શંકા ગઇ હતી, જેથી મુંબઇના શખ્સને ફોન કરી પોતાના રૂા. 36,500 પણ પરત માગ્યા હતા. વારંવાર આ રકમ પરત કરવાની માંગ કરવા છતાં તેની આ રકમ પરત ન મળતાં અંતે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.